ડાકોર ખાતે ધજા પૂજા, ધજા ચડાવા અને રાજભોગ પ્રસાદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ

ડાકોર ખાતે ધજા પૂજા, ધજા ચડાવા તથા રાજભોગ પ્રસાદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર ખાતે તારીખ 31/01/2026ના રોજ ભગવાન રણછોડરાયજીના પાવન મંદિરે ધજા પૂજા તથા ધજા ચડાવાનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આયોજિત થયો. આ શુભ પ્રસંગે ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત તથા સમસ્ત ત્રાગડ સોની મંડળના આશ્રય હેઠળ આશરે 200 જેટલા ભાવિક ભક્તો ડાકોર પધાર્યા હતા. વહેલી સવારે વિધિવત પૂજા-અર્ચના, મંત્રોચ્ચાર અને ધજા વિધિ કરીને ભગવાન રણછોડરાયજીને ધજા અર્પણ કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને જયઘોષથી ગુંજાયમાન બન્યું. આ કાર્યક્રમની વિશેષ વાત એ રહી કે મનીષભાઈ પારેખ – સુરત, પરેશભાઈ ચોકસી – સુરત તથા જિગ્નેશભાઈ સોની – ઉમરેઠ તરફથી ભગવાનને રાજભોગ પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભક્તોએ રાજભોગ પ્રસાદીનો લાભ લઈને પોતાને ધન્ય માન્યા. ડાકોરની પવિત્ર ભૂમિ પર ત્રાગડ સોની સમાજની એકતા, ધાર્મિક ભાવના અને સંસ્કારની સુંદર ઝલક જોવા મળી. સહભાગી બનેલા તમામ ભક્તોના સહકારથી આ ધાર્મિક યાત્રા અત્યંત સફળ અને સ્મરણિય બની. ભગવાન રણછોડરાયજી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વરસાવે — એવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏